ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ
ખેડૂતોની સમસ્યાઓને લઈને ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી પગપાળા કૂચ કરી આવેલા ભારતીય ખેડૂત સંગઠનની 15માંથી 5 માગણીઓને મોદી સરકારે સ્વીકારી લીધી છે.
નવી દિલ્હી: ખેડૂતોની સમસ્યાઓને લઈને ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી પગપાળા કૂચ કરી આવેલા ભારતીય ખેડૂત સંગઠનની 15માંથી 5 માગણીઓને મોદી સરકારે સ્વીકારી લીધી છે. ત્યારબાદ ખેડૂતોએ હાલ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી આવેલા ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળે કૃષિ ભવનમાં જઈને કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પોતાની વાત રજુ કરી હતી. ત્યારબાદ ખેડૂતોએ પોતાનું આંદોલન હાલ પૂરતું ખતમ કરવાની વાત કરી. જો કે ભારતીય કિસાન સંગઠનના પ્રમુખ પુરન સિંહે કહ્યું કે આંદોલન ખતમ થયું નથી. આ અસ્થાયી વ્યવસ્થા છે. અન્ય માગણીઓને લઈને અમે 10 દિવસ પછી વડાપ્રધાનને મળીશું. જો સરકાર માગણીઓ સ્વીકારશે તો આંદોલન બંધ નહીં તો સહારનપુરથી ફરીથી શરૂ કરીશું.
અત્રે જણાવવાનું કે ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતાની સાથે જ બોર્ડર પર રોકી દેવામાં આવ્યાં હતાં. ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી બોર્ડર પર ઘરણા પર બેસી ગયા હતાં. તેમની માગણી હતી કે સરકાર તેમની સાથે વાત કરે અથવા તો પછી તેમને દિલ્હીના કિસાન ઘાટ જવા દે. ત્યારબાદ ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળને દિલ્હી પોલીસની ગાડીમાં કૃષિ મંત્રાલય લઈ જવામાં આવ્યાં. ત્યાં તેમણે પોતાની વાત રજુ કરી.
જુઓ LIVE TV